Happy International Women’s Day

meઆજે ઇન્ટરનેશનલ વુમન’સ ડે , એટલે સ્ત્રીત્વ નું ગ્લોબલ ધોરણે સન્માન કરતો દિવસ!
એક સ્ત્રી હોવું એટલે શું એ સમજાવતો દિવસ!

આધુનિક જમાના ની સ્ત્રી ને જયારે પુરુષ સમોવડી થવું છે ત્યારે મને એમ વિચાર આવે છે કે સ્ત્રી હોવું જ જયારે એટલું મહત્વ નું છે તો પછી પુરુષ ની બરાબરી કરવા ની હોડ માં શું કામ ઉતરવું ? રેસ તો ત્યાં જ હોય જ્યાં કોઈ એ જીતવું હોય અને બીજા ને હરાવવું હોય. અરે, જે જીત નો કોઈ મતલબ જ નથી અને જે હાર માં હારી ને પણ જીત મળતી હોય એવી રેસ ને શું ગણવી ? અલબત્ત સ્ત્રી ને તો આ હોડ માં આપણે ઉતારી જ દઈશુ, ભલે એને ના ઉતારવું હોય તોય! મોટાભાગે સ્ત્રીઓ ને પુરુષો ની insecurity નથી હોતી, પણ સમાજ એને insecure બનાવી દે છે! આ મારુ માનવું છે એને ભલે ને હોડ માં ના ઉતારવું હોય તો પણ ગમે તેમ કરી ને ઉતારી જ દે !

“ઓહોહો તમારે ત્યાં બસ બે દીકરીઓ જ છે! એમનો કોઈ ભાઈ નથી? ઓહો બિચારી છોકરીઓ! પારકું ધન, ઉડી જનારા પારેવડાં!”
“અરરર! તમારે બસ એક ની એક આ દીકરી જ છે !? ”
“અરે 28 વર્ષ ની થઇ! CA છે તો શું થયું વળી? ક્યાંક મેડ પાડી દો એનો હવે!”

આવા અનેક દાખલાઓ છે. પણ આવા વાક્યો બોલનારા લોકો ત્યારે ક્યાં હોય છે જયારે એજ દીકરીઓ બે ઘર ના આંગણા ઉજાળે છે. માં-બાપ ને દીકરા થી પણ વધારે પ્રેમ આપે છે. એક ની એક દીકરી આખા વિશ્વ માં એના માં-બાપ નું નામ રોશન કરે છે. કોઈ 28 વર્ષ ની CA છોકરી કદાચ 500 પુરુષો ના ગોટાળાઓ ના સોલ્યૂશન કાઢે છે. આવા વાક્યો એને અજાણતા જ એક હોડ માં ઉતારી દે છે. એ જે પણ બની જાય એની પાસે ની અપેક્ષાઓ ક્યારે ઘટતી જ નથી ! અને દરેક અપેક્ષા ના બોજ ટળે એ વધુ જોર કરી ને આગળ વધતી રહે છે. એને તો બસ આ હોડ માં દોડવું જ હોય છે, જીતવા માટે નહિ પણ સંયુક્ત રીતે exist કરવા માટે. દુનિયા માં આજે ઘણા ઘણા લોકો સ્ત્રીઓ ના equal rights માટે લડતા રહે છે. એમાં પ્રયાસો કે  કાર્યો પર મને કોઈ સવાલ નથી.પણ મને ઘણી વાર વિચાર આવે છે કે એક સ્ત્રી ઘણું બધું કરી શકે છે. એ જે ઈચ્છે એ કરી શકવા ની શક્તિ એને ભગવાને પ્રાકૃતિક રીતે જ આપી છે. એને આ સમાજ ના મનગમતા ઢાંચા માં તો આપણે જ ઢાળીયે છીએ. એની સમજણ ને ઓછી કરી આપણે જ એનો આત્મવિશ્વાસ તોડીએ છે અને એને ખુદ પર સવાલ કરવા માટે મજબુર કરીયે છે. એક સ્ત્રી ની મહાનતા પણ ત્યાં જ આવે છે કે આવા અઢળક ઢાંચાઓ માં એ હસ્તે મોઢે ઘડાતી રહે છે અને એમાં થી પણ સર્વોચ્છ સર્વોપરી સુંદર શિલ્પ બનતી જાય છે. સમાજ ના હજારો દુર્ગુણો સામે લડતી રહે તો પણ એ પોતા નું માથું ઉઠાવી ને જીવે છે. નવી કૂંપળ શી બાળકી હોય કે 25 વર્ષ ની ખુદ કમાતી કુંવારી, નવી પરણેલી કોઈ નવોઢા હોય, કે બાપ વગર એકલા હાથે ચાર દીકરા મોટા કરતી કોઈ ઘરડી માં; અપેક્ષાઓ ના પડછાયા એની ખુમારી પર પ્રશ્નો ઉઠાવતા જ રહે છે. સમાજ, બાળકો, પરિવાર, મિત્રો, લોકો અને છેલ્લે એ પોતે ખુદ જુદા જુદા પ્રકાર ની માગણીઓ એની પાસે કરતા જ રહે છે અને બધા ની આશાઓ પુરી કરતા કરતા એ ખુદ ને ક્યાં અને ક્યારે ખોઈ બેસે છે એને ખબર જ નથી પડતી!

Feminism ના વાવટા લઇ ને મોરચાઓ કાઢવા કરતા ખુદ ની અંદર બેઠેલી સ્ત્રી ને પેહલા ઓળખી લેવી જોઈએ અને એની શક્તિઓ મઠારવી જોઈએ. માંહ્યલા ને જો મજબૂત બનાવીશું તો અસ્તિત્વ પર કોઈ ક્યારેય સવાલ ઉભો નહિ કરી શકે. ખુદ જ ખુદ ને સમજતા હઈશું તો બીજા પાસે થી સમજણ ની આશા નહિ રહે. ખુદ ની શક્તિઓ ને એક સ્ત્રી ખુદ પોતે જ નજરઅંદાજ કરી શકે છે, કેમ કે એ પોતા ની શક્તિઓ ને જાણતી હોય છે. એવી દરેક સ્ત્રીઓ ને પ્રણામ છે જે પોતા ની શક્તિઓ ને વેડફી નથી નાખતી અને ખુદ ને સારી રીતે સમજે ,જાણે છે. ખુદ માટે એ ઘણીં વાર ખુદ સાથે જ લડે છે, ખુદ ની આલોચના કરે છે અને ખુદ ને શાબાશી પણ આપે છે.

સ્ત્રી હોવું એ સદ્ભાગ્ય છે, મહાપાપ નથી છતાં હજી પણ સ્ત્રીઓ જ સ્ત્રીઓ ને આગળ ના આવવા દે એમ પણ બને છે. એનો ચાંદલો અને એનું સિંદૂર એનું ગૌરવ છે એના અસ્તિત્વ નું પ્રતીક નહિ છતાં આજે પણ વિધવા નું જીવન પ્રશ્નાર્થ બની ને રહી જાય છે. એની લાજ એનો શ્રીંગાર છે એના ચારિત્ર નું પ્રમાણપત્ર નહીં તો પણ જેની લાજ ઉતરી જાય એના ચારિત્ર નું કોઈ મૂલ્ય રહેતું નથી. એના પગ ના વીંછિયા અને પાયલ એના જીવન નું મધુર સંગીત છે એનું બંધન નહીં.માથે થી સરકતી એની ચૂંદડી એના અસ્તિત્વ ની પાંખો સમાન છે, કોઈ લક્ષ્મણ રેખા નહીં. એના હાથ ની ચૂડીઓ એના બાહુઓ ની શક્તિ નો રણકાર છે છતાં જે ચૂડીઓ અથાગ મેહનત કરવા માં તૂટી જતી હોય એનો આક્ષેપ એના માથે આવે છે.

કોઈ પણ સ્ત્રી કદાચ ફક્ત આટલું જ માંગે છે કે દુનિયાને એના હોવા નો ખેદ ના હોય પણ આનંદ હોય! એની શક્તિઓ પર સવાલ નહિ પણ વિશ્વાસ હોય! એના સદ્-ગુણો નો હિસાબ નહિ બસ એનો આવકાર હોય. એને કોઈ હોડ માં નથી ઉતરવું બસ એના અસ્તિત્વ ની પણ નોંધ લેવાવી જોઈએ. એટલું જ જો એને મળે તો Women’s Day ખરી રીતે ઉજવાયો કહેવાય!

-“પાંપણ”

 

Advertisements

અંતર નો આયનો…

ચારીત્ર નિર્માણ બહુ ઉંડી અને ઉચ્ચ વિચારસરણી થી આવે છે

એમાં એવું નથી હોતું કે તમે એવું વિચારી ને ચાલો કે લોકો શું વિચારશે ??

 

એમાં એક સાદું ગણીત છે , તમારો આત્મા તમને  કહે એટલું તમે માનો એટલે  બસ !!પણ આપણે તો આત્મા થી મગજ માં પહોંચતા રસ્તા માં જ સ્વાર્થ ને કપટ ની દીવાલો ચણી  દીધી છે તો ક્યાં આપણ ને ખબર પડશે કે આપને શું કરી રહ્યા છે ?

આપણે મોટી મોટી વાતો કરીએ છે અને વાતો કરવી ક્યાં અઘરી છે ?અઘરું તો છે ચરિત્ર સાચવવું , એનું નિર્માણ દેખાડા પર નહિ સચ્ચાઈ પર કરવું …

 

અહો આશ્ચર્યમ તો ત્યારે થાય જયારે આવા દેખાડા પર દુનિયા આફરીન થાય અને વાહ વાહ કરે !!પણ એવી વાહ વાહી બહુ ટકવાની નહિ ! જે અંદર છે એ ક્યારેક તો બહાર નીકળવાનું જ ! ગમે તેટલા સોના  ના વરખ ચડાવો લોઢું કદી સોનું ના બની શકે !! એના મૂળ માં જ તપવાનું લખ્યું છે. બોરડી ને આંબો કહી કીમત ભલે વસુલાય પણ કાંટા બધા ને વાગવા ના જ છે!!

 

આજે દેખાડા ની કિંમત બહુ ઉંચી અંકાય છે, પણ તમે ભગવાન સામે શું દેખાડશો ?? ત્યાં તો શરીર પહોંચવા નું પણ નથી .

રે માનવી ત્યાં જશે તારી આત્મા , તડપતી અને મૂંઝાતી મોકલીશ ???માટે જ હું દ્રડપણે માનું છું , સાચું ચારિત્ર અંતર માંથી આવે છે , એ કોઈ ના થી છેતરાતું નથી ….

 

 

રેહવા દેને શું તું આમ દરેક આક્ષેપ સામે લડે ,

બનાય એને જ મજબુત જે અંતર માં તારી સરવડે !!!

 

 

– ” પાંપણ “

કદાચ હવે વધારે કઈ જ નહિ કેહવાય …

કદાચ હવે વધારે કઈ જ નહિ કેહવાય …

વાંક આંખો નો જ હતો કે ઓળખ્યા પુતળાઓ ને ..

મશાલો નો ડર નથી પણ ,

કદાચ એ જ્વાળાઓ નહિ બુઝાય ..

કોરા સપનાઓ સીંચ્યા કેમ લાગણી એ ?

કુંપળ એ ખાખ થઇ ગઈ ,

ત્યાં હવે પાણી નહિ સિંચાય !!

લાગ્યું કે ઘા પુરાઈ ગયા હશે ?

પાટો ખોલી જોયું છે આજે  મેં

સમય નું ચક્ર ફરી ગયું ભલે ,

હવે ફરી મલમ નહિ લગાવાય !!

હું કોને માફ કરું હવે, ખુદ ને કે દુનિયા ને ??

લાગણીઓ ની ચિતાઓ ફરી ફરી ને જલી ,

બસ રાખ છે બધું હવે  , એમાં ચિનગારી ક્યાં જલાવાય !!!

– “પાંપણ “

એક કોરો ઉઘાડ …

મને ઉઘાડ ગમતો નથી … વરસતા મેઘ માં જેટલી ભીનાશ હોય છે એટલો આ ઉઘાડ સ્વચ્છ …

ઉઘાડ એટલે જાણે વર્ષા નું ઘડપણ … એની યુવાની તો ત્યારે જ હોય છે જયારે એ પુર બહાર માં વરસતી હોય ..

વર્ષા અમુક ને જ ભીંજવે છે બાકી બીજા તો પલળતા જ હોય છે એટલે જ  આપળે  જરૂરી કામ માટે બહાર જતા હોઈએ ત્યારે ઉઘાડ બહુ વહાલો લાગે છે ..મેઘ ના બુંદો બધું ધૂંધળું કરી જાય અને ઉઘાડ એને પારદર્શક બનાવી દેતો હોય છે .. અને અમુક ચીજો ધૂંધળી જ સારી લગતી હોય છે … મેઘ તમારા મન ને  યાદો માં આવકારી જાય છે અને ઉઘાડ એને પાછુ વાસ્તવિકતા બતાવે છે … વળી અમુક વાસ્તવિકતાઓ મન ને બહુ વહાલી લાગતી  હોય છે …

હા , છતાય ઉઘાડ મને ગમતો નથી … ઉઘાડ બહુ કોરો લાગે છે .. હા ,પણ ઉઘાડ ફક્ત કોઈ પલળેલા ને કોરો કરી શકે ..

જે ભીંજાયેલા છે એતો એ પ્રેમ ની તરબતર ભીનાશ માણશે .. જો જો પ્રેમ ની વર્ષા માં કદી કોરો ઉઘાડ ના આવે ..એમેય ઉઘાડ તો મને ગમતો જ નથી …

 

“પાંપણ “